અમદાવાદમાં કાળઝાળ ગરમીને લીધે આજે ‘રેડ એલર્ટ’ : દ.ગુજરાતમાં વરસાદની આગાહી

ગાંધીનગર ૪૪ ડિગ્રી સાથે ‘હોટેસ્ટ’, અમદાવાદમાં ૪૩.૬

– અમદાવાદમાં શુક્રવારે તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે : સુરતમાં ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવા સાથે વરસાદની શક્યતા

અમદાવાદ, ગુરુવાર

કુદરત જાણે દરેક રીતે ગુજરાતની પરીક્ષા લેવા માગતી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. એક તરફ કોરોના દિવસેને દિવસે માથું ઉંચકી રહ્યો છે ત્યાં હવે સુરત-વલસાડ-ભાવનગર એમ ગુજરાતના એક ભાગમાં કમોસમી વરસાદ તો અમદાવાદ-ગાંધીનગર-બનાસકાંઠા-વડોદરા એમ બીજા ભાગમાં હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.બીજી તરફ  ‘ગ્રીનેસ્ટ સિટી’ માં સામેલ છે તે ગાંધીનગર આજે ૪૪ ડિગ્રી સાથે ‘હોટેસ્ટ સિટી’ બની રહ્યું હતું.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. શુક્રવારે સુરત-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-ભાવનગર-અમરેલી-ગીર સોમનાથમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની  ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છમાં હીટ વેવને લીધે કાળઝાળ ગરમીનો અનુભવ થશે. સરેરાશ મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીને પાર જાય તેની પણ પૂરી સંભાવના છે. ‘ અમદાવાદમાં આજે ૪૩.૬ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૪ ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં  બુધવારે ૪૩.૮ ડિગ્રી સાથે છેલ્લા ૯ વર્ષમાં એપ્રિલ માસની સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.  હવે આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરાઇ છે.

તાપમાન ૪૧.૧થી ૪૩ ડિગ્રી વચ્ચે હોય તો ‘યલો એલર્ટ’ , ૪૩.૧થી ૪૪.૯ વચ્ચે હોય તો ‘ઓરેન્જ એલર્ટ’ જ્યારે ૪૫થી વધુ હોય તો ‘રેડ એલર્ટ’ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાય છે. અમદાવાદમાં હવે આવતીકાલે મે મહિનાના પ્રારંભ સાથે જ અમદાવાદમાં ઉનાળો અસલ મિજાજ બતાવવાનું શરૃ કરી દેશે. આજે અમદાવાદ-ગાંધીનગર ઉપરાંત વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભૂજમાં પણ ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *