ગુજરાતમાં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કોઈ કાપ નહીં: નીતિન પટેલ

રાજય સરકાર દ્વારા દર મહીને કર્મચારીઓને રૂા.2600 કરોડનો પગાર અને રૂા.1400 કરોડનું પેન્શન ચૂકવવામાં આવે છે

ગાંધીનગર તા.1
કોરોનાના રોગચાળાના પગલે ઉદ્યોગ ધંધા ઠપ્પ છે ત્યારે સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે એવું જાહેર કર્યું છે કે સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત કર્મચારીઓના પેન્શનમાં કોઈ કપાત કરવામાં આવશે નહીં.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકારની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. ઉદ્યોગ ધંધા બંધ હોવાના કારણે વેટ અને જીએસટી સહીતના ટેકસની આવકમાં ધરખમ ઘટાડો થયો છે.

આમ છતાં રાજય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત કર્મચારીઓના પેન્શનમાં કોઈ કપાત કરવામાં આવશે નહી. નીતીન પટેલે વિગતો આપતા જણાવ્યું હતું. લોકડાઉનના કારણે કોમર્સીયલ પ્રવૃતિ હાલ ઠપ્પ છે અને આજ કારણે સરકારને આવકમાં મોટો ફટકો પડયો છે. આમ છતાં સરકાર દ્વારા નિયમિત રીતે પગાર અને પેન્શન ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ સરકાર દ્વારા દર મહીને રૂા.5.38 લાખ કર્મચારીઓને રૂા.2600 કરોડનો પગાર ચૂકવવામાં આવે છે. જયારે 4.57 લાખ પેન્શનરોને દર મહીને 1400 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. નીતીન પટેલે ઉમેર્યું હતું કે દર સપ્તાહે રૂા.4 હજારનો ખર્ચ કરવામાં આવે છે.

રાજય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિતેના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજયના તમામ નાગરીકોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *