રાજ્યમાંથી બહાર જવા-આવવા માટેની માર્ગદર્શિકા : લોકોને પોતાના વાહનોમાં જવાની છૂટ મળી શકે

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફસાયેલા લોકોની મદદ માટે એડીશનલ ડીજીપી હસમુખ પટેલની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી, તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી.

ગાંધીનગર : લૉકડાઉન (Lockdown)ને પગલે હાલ અનેક લોકો દેશમાં ફસાયેલા છે. લૉકડાઉન 2.0ની મુદત ત્રીજી મેના રોજ પૂર્ણ થઈ રહી છે. બીજી તરફ વિવિધ રાજ્ય સરકારોએ જે તે રાજ્યમાં ફસાયેલા પોતાના લોકોને પરત લાવવા માટે પ્લાન ઘડી કાઢ્યા છે. ગુજરાત સરકાર (Gujarat Government) પણ આ માટે માર્ગદર્શિકા તૈયાર કરી રહી હોવાની હિન્ડ આઈપીએસ (IPS) અધિકારી તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક (Additional DGP Hasmukh Patel) હસમુખ પટેલે ટ્વીટ કરીને આપી છે. જેમાં એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે લોકોને તેમના વાહન સાથે જવા દેવાની છૂટ આપવાની વિચારણ ચાલી રહી છે. આ માટે તેમણે પાસ કઢાવવો પડશે. આ સાથે તેમણે તેમની નિમણૂક ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફસાયેલા લોકોની મદદ માટે નોડલ ઓફિસર તરીકે કરવામાં આવ્યાનું એક ટ્વીટમાં જણાવ્યું છે. આ ઉપરાંત અન્ય રાજ્યો માટે પણ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.

હસમુખ પટેલ ગુજરાત પોલીસ કેડરના 1993ની બેચના આઈપીએસ અધિકારી છે. હાલ તેઓ Additional DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ટ્વીટર પર ખૂબ જ સક્રિય છે. ગુરુવારે તેમણે એક પછી એક ટ્વીટ્સ કરીને આ અંગેની માહિતી આપી હતી.

હસમુખ પટેલે કરેલા ટ્વીટ્સ :

1) લોકોનો સવાલ છે કે તેઓ પોતાના વાહનમાં જઈ શકશે? અત્યારે વિચારણા ચાલે છે તે મુજબ તમે તમારા વાહનમાં જઈ શકશો. જવા માટે તમારે પાસ લેવાનો રહેશે. તમામ વિગતો ફાઈનલ થઈ જાય એટલે તરત જ તમને જણાવીશું.

2) જે લોકો પોતાના ઘરે પરત જવા માંગે છે તેઓ કેવી રીતે જઈ શકશે તેની માર્ગદર્શિકા તૈયાર થઈ રહી છે. બહુ ઝડપથી તૈયાર કરીને તમને જણાવીશું. તમે તમારા ઘરે જઈ શકો તે માટે રાજ્ય સરકાર કાર્યકર છે. તમારું દુઃખ સમજી શકાય છે, અમને થોડો સમય આપો. અમારા પર વિશ્વાસ રાખો, અમે બનતા તમામ પ્રયાસ કરીશું.

3) મને દુઃખ છે કે હું તમારા ફોનનો જવાબ આપી શકતો નથી. તમે સહેલાઇથી પોતપોતાના ઠેકાણે પહોંચી શકો તે માટે રાજ્ય સરકાર કાર્યરત છે. ટૂંક સમયમાં વ્યવસ્થા ઊભી કરી તમને જાણ કરવામાં આવશે. આ મેસેજ વધુમાં વધુ લોકોને પહોંચાડશો. ખાત્રી રાખજો કે અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છીએ.

4) આ મેસેજ વધુમાં વધુ લોકોને પહોંચાડશો જેથી તેઓ ચિંતા કરે નહીં. આપ ઘણા સમયથી એક જગ્યાએ ફસાયા છો આપનું દુઃખ સમજી શકાય છે. ઝડપથી વ્યવસ્થા ગોઠવાય તેવા પ્રયત્નો ચાલુ છે. તે પછી પણ તેમાં કંઈ ખામી જણાશે તો સતત સુધારવાનો પ્રયત્ન કરીશું. બસ થોડો સમય આપો.

5) રાજ્ય બહાર આવવા જવા માટેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર તૈયાર કરી રહી છે. ટૂંક સમયમાં સૌને જણાવવામાં આવશે.

 6) લોકોના ફોનથી મને ખબર પડી કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફસાયેલા લોકોને પરત મોકલવા મને નોડલ ઓફિસર નિમેલ છે. આ કેવી રીતે કરવું તે હું જાણતો નથી. મારી વિનંતીથી રાજ્ય સરકારે બાર વાગ્યે મિટિંગ રાખી છે. તેમાં જાણી તમને મદદ કરી શકીશ. હું જાણી લઉં પછી મારાથી થતી બધી મદદ કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *