વડોદરા. આજે વિશ્વ નૃત્ય દિવસ છે. ત્યારે સિટી ભાસ્કર લાવ્યું છે કથકની એવી વાત કે જે તમામના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. કથકમાં પગની થાપ મહત્વની છે. 5 મિનીટના એક પર્ફોર્મન્સમાં ડાન્સર લઘુત્તમ 600 વખત પગની થાપ મારે છે. જેને કારણે લોહીનું પરિભ્રમણ વધે છે, એનર્જી ઉત્પન્ન થવાથી કેલરી બર્ન થઇ સ્ટ્રેન્થ વધે છે. શહેરના કથક ડાન્સરે 5 મિનીટમાં 600 થાપ વાગે છે તે વાત શેર કરી તો યોગ એક્સપર્ટ અને ફિઝિશીયન ડૉ. કિરણ શિંગ્લોતે 5 મિનીટમાં સતત 600 થાપ વાગે તો શું શારીરીક ફાયદા થાય તે શેર કરી આ સામાન્ય માણસ પણ કરી શકે તેમ જણાવ્યું હતું.
ઓનલાઇન ક્લાસ ચાલે છે, જેમાં દિલથી શીખે છે તે જ તેને પામી શકે છે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના નૃત્ય વિભાગમાં આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહેલા દ્યુતિ પંડ્યાએ જણાવ્યું હતું કે, 5 મિનીટના પર્ફોર્મન્સમાં સામાન્ય રીતે 16 માત્રાનો ત્રીતાલ વાગતો હોય તો તેની 16 માત્રા 8 સેકન્ડમાં પુરી થાય છે. જેથી 5 મિનીટ એટલે કે, 300 સેકન્ડમાં 600 વખત તાલ સાથે પગની થાપ વાગે છે. જેને કારણે સ્વાસ્થ્યના પણ મોટા ફાયદા થાય છે. જે શાસ્ત્રીય નૃત્યને રજૂ કરે છે તેણે ખૂબ જ સાધના કરી હોય છે. લોકડાઉનમાં વિદ્યાર્થીઓને નૃત્યની તાલીમ આપવા ઓડિયો અને વીડિયો ક્લાસ શરૂ કર્યાં છે. જેમાં તેઓ પ્રેક્ટિસ કરી તેમના વિડીયો મને મોકલતા હોય છે. જેને જોઈને હું તેમને માર્ગદર્શન આપું છું.
કથકની શરૂઆત કરીએ ત્યારે પંચ મહાભૂતને પહેલાં નમન કરીએ છીએ
નૃત્ય સર્જન કથક ડાન્સ એકેડમીના ફાઉન્ડર અને નૃત્યાંગના ડો.મંજીરી પટવર્ધને જણાવ્યું હતું કે, હું 20 વર્ષથી આ ક્ષેત્રમાં છું. શાસ્ત્રીય સંગીત એ પરંપરા છે. જેની સાથે આપણે વર્ષોથી જોડાયેલા છે. નૃત્યમાં દૈવી શક્તિ હોય છે અને તે વિજ્ઞાન સાથે પણ જોડાયેલું છે. કથકમાં જ્યારે અમે નૃત્યની શરૂઆત કરીએ ત્યારે ચારે દિશા ધરતી તેમજ આકાશને નમસ્કાર કરીએ છે. ધરતી માતાને નમસ્કાર કરવાનો અર્થ એ હોય છે કે અમે નૃત્ય કરતી સમયે ધરતી પર પગ પછાડી શું જેના લીધે તેમને તકલીફ થશે તેની માફી માંગીએ છીએ. આજની પેઢીના યુવાનો-બાળકોને મોડર્ન ડાન્સથી આકર્ષિત છે. ક્લાસીસ અત્યારે ચાલે છે જમાં હું વીડિયો રેકોર્ડ કરીને મોકલું છું.
કથકને કારણે શરીરને આ ફાયદા થાય છે
ફિઝિશીયન અને યોગ એક્સપર્ટ ડૉ. કિરણ શિંગ્લોતે જણાવ્યુ હતું કે, માણસ જો કથકની જેમ જ કસરત દરમિયાન 5 મિનીટમાં પગની 600 થાપ મારે તો 25થી 30 કેલરી બર્ન થાય છે. થાપ વાગે ત્યારે લોહીનું પરિભ્રમણ વધે છે અને જે લોહી પાછું આવે છે તેમાં કાર્બનડાયોક્સાઇડ ઘટે છે. પગનું રિલેક્સેશન થાય છે. હૃદયના ધબકારા વધી શ્વાસોચ્છવાસ સુધારે છે. એકંદરે પગ, ફેફસા અને હૃદય મજબૂત બની લોહી શુદ્ધ બને છે.
