કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ખેડૂતોના 50000 સુધીના દેવા કર્યા માફ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે રાજ્યના ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરી. ભાજપ શાસિત રાજ્યો દ્વારા ખેડૂતોના દેવામાફી બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઉપર પણ લોન માફીનું દબાણ વધી રહ્યું હતું. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલમાં જ મુખ્યમંત્રીને રાજ્યના ખેડૂતોની મદદ કરવાની અપીલ કરી હતી. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.

જો કે કર્ણાટકમાં દેવા માફીનો લાભ કોઓપરેટિવ બેન્ક પાસેથી 50000 રૂપિયા સુધીની લોન લેનારા ખેડૂતોને જ મળશે. અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા જ પાર્ટીની બેઠકમાં સિદ્ઘારમૈયાના ગવર્નન્સના વખાણ કરતા કહ્યું હતું કે ‘ભાજપે ખેડૂતોની ઉપેક્ષા કરી છે. હવે કર્ણાટક સરકાર માટે જરૂરી બને છે કે તેઓ ખેડૂતોની મદદ કરે. મને ભરોસો છે કે સીએમ ખેડૂતોની સમસ્યાઓ સાંભળીને તેમની મદદ કરે છે.’

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ‘નિશ્ચિત રીતે તેનો અર્થ એ છે કે મુખ્યમંત્રીએ લોન માફ કરવી જોઈએ. સિદ્ઘારમૈયાએ આ મુદ્દે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું પરંતુ ખેડૂતોની લોન માફ કરવા માટે તેમના પર દબાણ છે કારણ કે યુપીએ સરકારે 2008માં 72000 કરોડની લોન માફ કરી હતી.’

સિદ્ઘારમૈયાએ પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરુણ જેટલીને ખેડૂતોના દેવા માફ કરવાની માગ કરી હતી જે કર્ણાટકના ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી લીધી છે. આ રકમ રાજ્યોના ખેડૂતોના કુલ 50000 કરોડના દેવાનો 80 ટકા ભાગ છે. તેમણે કહ્યું હતું કે તેઓ ખેડૂતો દ્વારા કોઓપરેટિવ બેન્કો પાસેથી લોન માફ કરવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *