પાક સામે ઈન્ડિયન ક્રિકેટ ટીમની કારમી હાર તો હોકી ટીમની વિરાટ જીત

લંડનમાં રમાઇ રહેલી વર્લ્ડ હોકી લીગ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 7-1 થી પરાજય આપ્યો હતો. લંડનના ધ ઓવલ મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમનો પાકિસ્તાન સામે અત્યંત ખરાબ રીતે પરાજય થયો હતો પરંતુ ઓવલના મેદાનથી ફક્ત અડધા કલાકના અંતરે લી વેલી હોકી એન્ડ ટેનિસ સેન્ટર પર તેનાથી બિલકુલ અલગ થયું હતું. હોકીના મેદાન પર ભારતીય ટીમે પાકિસ્તાનને કચડી નાખ્યું હતું.

મેચના પ્રથમ ક્વાર્ટરની સમાપ્તિ પહેલાં 13મી મિનિટે જુનિયર વર્લ્ડ કપ ટીમના હીરો હરમનપ્રીતસિંહે પેનલ્ટી કોર્નરથી ગોલ કરી ભારતીય ટીમને લીડ અપાવી હતી. 21મી મિનિટે તલવિન્દરસિંહે ગોલ ફટકારી લીડ ડબલ કરી દીધી હતી. બીજા ગોલની ફક્ત ત્રણ મિનિટ બાદ તલવિન્દરસિંહે બીજો ગોલ ફટકારી પોતાની 3-0થી આગળ કરી દીધી હતી. બીજા હાફમાં પણ ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો હતો. 33મી મિનિટે હરમનપ્રીતસિંહે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ ફટકાર્યો હતો.

અંતિમ ક્વાર્ટરમાં આકાશદીપે પાકિસ્તાનના ડિફેન્સને ભેદી પાંચમો ગોલ ફટકાર્યો હતો. બે મિનિટ બાદ પ્રદીપ મોરેએ ગોલ ફટકારી ભારતને 6-0થી આગળ કરી દીધું હતું. મેચની અંતિમ ક્ષણોમાં પાકિસ્તાનના ઉમર ભુટ્ટાએ ગોલ ફટકારી હારના અંતરને ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની એક મિનિટ બાદ ફરી એક વખત આકાશદીપે ગોલ ફટકારી ભારતીય ટીમને 7-1થી વિજય અપાવી દીધો હતો.

ભારતીય હોકી ટીમ બ્લેક આર્મ બેન્ડ્સ પહેરી રમવા ઊતરી :

વર્લ્ડ હોકી લીગ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમ બ્લેક આર્મ બેન્ડ્સ પહેરી રમવા માટે ઊતરી હતી. ભારતીય સૈનિકો પર થયેલા સતત હુમલામાં દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર ભારતીય ટીમ બ્લેક આર્મ બેન્ડ્સ પહેરી રમવા ઊતરી હતી. ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફે પણ બ્લેક આર્મ બેન્ડ્સ પહેર્યા હતા. આ અગાઉ પણ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પીત કરી હતી. પીઆર શ્રીજેશે 2016ની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં મળેલી જીત સૈનિકોને અર્પીત કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *