રાજકોટમાં બે ભાઈઓએ એકની એક બહેનને મારી નાંખી, જાણો શું છે આખી ઘટના

રાજકોટમાં ઓનર કીલિંગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સગ્ગા બે ભાઈઓએ એકની એક ત્યકતા બહેનના પ્રેમ સબંધના મુદે અપહરણ કરી જસદણ પંથકમાં લઈ જઈ બળજબરીથી ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ બંન્ને ભાઈઓએ જસદણનાં ભંગડા ગામે માતા-પિતા સહિતના પરિવારજનોની ગેરહાજરીમાં અંતિમવિધિ પણ કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે.

બનાવ અંગે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર-૧માં રહેતા અને ફાયનાન્સની સાથે બિલ્ડીંગ બાંધકામનો ધંધો કરતા ખુદ બંન્ને આરોપીના પિતા બીસુભાઈ બહાદુરભાઈ વાળા નામના કાઠી પ્રૌઢે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે તેમના પુત્રો બીરેન, રાજવીર અને તેમને મદદ કરનાર તેમના સાગરીતો જસદણના રઘુ નટુ ગીડા, દડવાનો ગૌતમ વજુભાઈ વાળા, જૂનાગઢનો મહેશગીરી ઉર્ફે મામુ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અનામી અરજીના આધારે ઓનર કિલીંગના ચકચારી બનાવનો પર્દાફાશ થયા બાદ પોલીસે બીરેન અને રાજવીરની ધરપકડ કરી છે. જયારે અન્ય આરોપીઓને પકડવાં તેમના આશ્રય સ્થાનો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

કાઠી પ્રૌઢની ફરિયાદ મુજબ, ગત તા.રપના સવારે પુત્રો બીરેન, રાજવીર તેના ત્રણ મિત્રો સાથે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના મકાને કારમાં ધસી આવી પત્ની જનકબેન અને પુત્રી પૂનમને બળજબરીથી કારમાં બેસાડીને લઈ ગયાની વાત મળી હતી. પત્ની અને પુત્રીને પુત્રો કયાં લઈ ગયા હશે તે દિશામાં શોધખોળ શરૃ કરી હતી. તેવા જ સમયે પત્નીનો ફોન આવ્યો કે, પુત્રો પૂનમને લઈ જસદણ તરફ ગયા છે. મને કોઠારિયા રોડ પર ઉતારી દીધાનું જણાવ્યું હતુ. જેથી જસદણ રહેતા સબંધીઓને તપાસ કરી ભાળ મેળવવા કહ્યું હતુ.

આ સમયે અગિયાર વાગ્યાના અરસામાં જસદણ રહેતા માસીના દિકરા હરેશભાઈનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, મને રાજવીરનો ફોન હતો, તે પૂનમબેનને હાલ વિદેશ ન જવાનું સમજાવવા જસદણ લાવ્યાં હતા. જે વાતથી પૂનમને ગુસ્સો આવતાં ઝેરી દવા પી લીધાનું કહ્યું હતુ. જેથી પોતે અરવિંદભાઈની ખાનપરવાળી વાડીએ જતાં પૂનમનું મોત નિપજયાનું જાણવા મળ્યું હતુ. આવી વાત કરી પિતરાઈ ભાઈ હરેશભાઈએ સીધા ભંગડા આવવાનું કહ્યું હતુ.
પુત્રીનાં મોતના સમાચાર સાંભળતા જ બીસુભાઈની અને તેના પત્નીની તબિયત લથડતાં બંન્નેને સારવાર લેવી પડી હતી. તેમ છતાં મહામહેનતે વતન ભંગડા બંન્ને પહોંચ્યા હતા. પરંતુ અહિ પહોંચતા પુત્રીને અગ્નિદાહ દેવાઈ ગયો હતો. પૂનમને વિદેશ ન જવા સમજાવવા છતાં તે માની ન હતી. બાદમાં તેણે અમારી જાણ બહાર ઝેરી દવા પી લીધાનું પુત્રોએ જણાવ્યું હતુ. ત્યારે મને જાણમાં આવેલી વાત મુજબ, પુત્રીના પ્રેમ પ્રકરણને કારણે બંન્ને પુત્રો નારાજ હોઈ તેને કારણે જ પુત્રીનું અપહરણ કરી બળજબરીથી ઝેરી દવા પીવડાવી મોત નિપજાવ્યું છે.

પૂનમના દોઢ વર્ષ પહેલા જ છુટાછેડા થયા હતા
કોલેજ સુધી અભ્યાસ કરનાર રપ વર્ષીય પૂનમના લગ્ન સાત વર્ષ પહેલા સાવરકુંડલાના ખાલપર ગામના જ્ઞાાતિના જ યુવાન સાથે થયા હતા. પરંતુ પૂનમને પતિ સાથે મનમેળ નહી થતાં દોઢ વર્ષ પહેલા જ પરિવારજનોની સહમતીથી છુટાછેડા લીધા હતા. છુટાછેડા બાદ પૂનમ રાજકોટમાં પિતા સાથે રહેતી હતી.

જાગૃત નાગરિકે કરી હતી અરજી
ઓનર કિલીંગના બનાવ અંગે એક શહેરના જાગૃત નાગરીકે પોલીસમાં અરજી કરી હતી, જેમા પૂનમને સમાજના જ કોઈ યુવક સાથેના પ્રેમ સબંધ મુદે તેના ભાઈ રાજવીર અને તેની સાથેના શખસો ભંગડાથી કારમાં લઈ જઈ ખોખળદળ તરફ લઈ જઈ ત્યાં ઢોર માર મારી તેના પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી હોવાનું જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *